मंगलवार, 6 जुलाई 2021

વિદ્યાર્થી -શિક્ષક સંવાદ

 

                                 વિદ્યાર્થી :

પપ્પા કે  છે ભણી લે બેટા ,સારી નોકરી મળશે .

મમ્મી કે છે ભણી લે બેટા ,સારી છોકરી મળશે .

માત-પિતાને કેમ સમજાવું, ભણવાથી શું થાય છે!

સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?

 

શિક્ષક કે છે સબમિશન, ટાઈમે તું કરજે 

મારા લેક્ચર ભરજે, ને શિસ્તમાં તું રહેજે 

શિક્ષકને કેમ સમજાવું, માર્કશીટથી શું થાય છે!

સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?

 

પરીક્ષાના દિવસોમાં, રાત-દિવસ છે માર્યો રટ્ટો

પાડોશી સાથે પપ્પાએ , મારા રિઝલ્ટનો માર્યો સટ્ટો

ધીરુભાઈ ને તેંડુલકર પણ ક્યાં દસ પાસ થાય છે!

સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?

 

ગાઈડ,ચોપડી, સંદર્ભ પુસ્તકો, સૌને ફેદી માર્યા

ઈન્ટરનેટના વિડિઓથી પણ,માર્ક ના આવ્યા ધાર્યા

જાડી ચોપડી, મગજ પાતળું, માથું ફાટી જાય છે!

સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?

 

ગણતર વગરનું ભણતર, શું કરશે મારુ ઘડતર!

વધતી ફી ની મોંઘવારીનું, કેવું મળશે વળતર

ભણેલા તો ભાડે મળશે, ગામ આખું કહી જાય છે!

સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?

 

                                   શિક્ષક:

શિક્ષકનો  ઠપકો  વહાલો લાગે, જયારે  બોસ તને ફટકારે

ધીરુભાઈ પણ સફળ થયા, જયારે ભણેલા આવ્યા વ્હારે 

જીવનના સરપ્રાઈઝ ટેસ્ટની,અહીં વિષયવાર તૈયારી  થાય છે.

ભણવાથી ના મળે બધુ પણઘણું-બધુ મળી જાય છે ..!

 

શિસ્ત, નિયમ ને સમયબદ્ધતા,વિવિધ ગુણો હવે ખીલશે

ગરિમા, માન-મોભાની સાથે, જગત આખું તને ઝીલશે

 અંધશ્રદ્ધાથી મુક્ત થઈને, નવીન દ્રષ્ટિકોણ મળશે 

જ્યારે જયારે કઠિન સમયમાં, ભણતરની હિમ્મત જડશે

 

ભણેલા તો ભાડે મળશે, પણ સૌને ભાડુ ક્યાં પોહાય છે!

ભણવાથી ના મળે બધુ પણ, ઘણું-બધુ મળી જાય છે ..!


-Satishkumar D. Prajapati


 Note: This poem has been published in departmental magazine PRAWAH at KDP, PATAN

6 टिप्‍पणियां: