નાનપણ માં એક વાર દુરદર્શન પર શક્તિમાન સીરીઅલ ની રાહ જોતા એક સીરીઅલ પર નજર પડી. થોડી વાર માટે એ જોવા બેઠો. એમાં મુખ્યપાત્ર પોતાના ખભા ઉપર લાકડાનો એક ક્રોસ લઈને આખા ગામ માં ફરે છે. એ ક્રોસ એના બમણા વજન અને લંબાઈ નો હતો. પાછળ કેટલાક સૈનિકો તેના પર કોરડા ના ઘા મારતા હતા. લોકો તેને અનુકંપા ની નજર થી જોતા હતા. એની પાસે મળવા કે મદદે આવતા લોકોને સૈનિકો હડસેલી દેતા હતા. કોરડાના ઘા જ્યાં જ્યાં શરીરે પડ્યા હતા ત્યાં લોહીના ડાઘ દેખાતા હતા.
એ ક્રોસ લઇ જઈને એક ખુલ્લાં મેદાન માં મુકવામાં આવે છે. મુખ્યપાત્રનું આખું શરીર આવી જાય તેટલી એની જાડાઈ હતી. ક્રોસ પર સુવડાવીને બંને હાથને લાકડાની એ થાંભલીના બે છેડાઓ પર બાંધવામાં આવે છે. ત્યાં આવેલા કેટલાય લોકો ની આખો માં આંસુ હોય છે. ઉઘાડા લોહી નીતરતા શરીર પર , હાથને દોરડાથી બાંધ્યાં પછી, હથેળીએ ખીલા ઠોકવામાં આવે છે. જેથી તેના હાથ લાકડાની થાંભલી માં જડાઈ જાય છે. બંને હાથે ખીલા માર્યા પછી પગને પણ બાધીને ખીલા માર્યા. લોહી નીતરતી કાયાની આ થાંભલીને તે મેદાન માં ઉભી કરવામાં આવી. દ્રશ્ય દયનીય હોવાની સાથે સાથે કઠોરતા નું પર્યાય હતું. આવી કપરી હાલત જેમાં કોઈ પણ મનુષ્ય ના મન માં દયા, ક્રોધ, આવેગ, સુગ જેવા ગમે તે ભાવ પ્રકૃતિ પ્રમાણે આવી શકે. પાત્ર પર દયા , સૈનિકો પર ક્રોધ, પાત્ર ના બચાવ માટે આવેગ, દ્રશ્ય ની કઠોરતા પર સુગ, પણ છતાં એ દ્રશ્યમાં પાત્ર ના મોઢાં પર મોહક સ્મિત...
પાત્ર ના સ્મિત માટે ફેલાયેલ હોઠ માંથી શબ્દો સરી પડ્યા,
" હે ! પરમપિતા ! પરમાત્મા ! ઇન્હેં એ નહિ પતા કે એ ક્યાં કર રહે હે . યે આપકી હી સંતાને હે . ઈન પર દયા કરના. ઇનકી ઇસ ભૂલ કો ક્ષમા કરના."
મારું મન વિચાર વાયુ એ ચડ્યું કે આટલું ખરાબ વર્તન છતાં ક્ષમા કેમ? મોટા થતા મને ખબર પડી કે આ પાત્ર એ ઇસુ ખ્રિસ્ત , જે ખ્રિસ્તી ધર્મ ના સ્થાપક અને પયગંબર.
પણ ક્ષમા કેમ? ક્ષમા કોને? ક્ષમા કેવી રીતે? ક્ષમા શું છે?
મિત્રો જીવન માં ઘણી એવી ક્ષણો આવે છે કે આપણે કોઈના પર ક્રોધ કરીએ , આવેગ કે ઉશ્કેરણી માં આવી ને ખોટું પગલું ભરીયે પણ ક્ષમા ના કરી શકીએ. માત્ર એક જ મનમાં વાત હોય કે એને તો હું માફ ની કરું અથવા આવું એનાથી કેમ થાય ? હવે એની વાત ! બદલા ની ભાવના , ક્રોધ , અસંતોષ, આવેગ બધાં જ છેવટે ગુનાખોરી તરફ લઇ જાય છે. પણ ત્યાંથી પાછા વળવાનો માર્ગ એટલે ક્ષમા.
હા . માફ કરો . ક્ષમા આપવી . મનમાં પ્રશ્ન થાય કે અરે ! ભૂલ એની , ગુનો એનો , એ માફી માંગે પણ નહિ, પશ્ચાતાપ કરે પણ નહિ તોય હું કેમ ક્ષમા આપું ? એને તો ફળ મળવું જ જોઈએ! સજા થવી જ જોઈએ. આમ થાય તો જ મારી આત્મા ને શાંતિ થાય ! પરંતુ ખરેખર બદલો લેવાથી , કોઈના ગુના ના બદલા માટે તેનું અહિત કરવાથી શું મનને શાંતિ મળે છે ? ના .
એક વાર ક્ષમા કરી દો. પછી બધો જ વિકૃત ભાવ મનમાંથી જતો રહેશે અને જે ભાવ આવશે તે જે શાંતિ આપશે એવી કોઈ શાંતિ નથી.
હા . ક્ષમા આપવાથી સામેની વ્યક્તિ , જેનો ગુનો છે તે બદલાઈ ની જાય કે પછી એની જોડે સારા વર્તન ની આશ ના લગાડી શકો . ભવિષ્યમાં તે તમારા પ્રતિ ફરી આવું અરુચિકર નહી કરે તેની કોઈ ગેરંટી નથી. પણ તમારા મનમાં એક ચીર શાંતિ નો વાસ થશે . એને કરેલા ગુના નો બોજ તમારા મન પર નહિ પડે . પછી તેને જે સજા થશે એમાં પણ તમે એનું હિત જોઈ શકશો . આવો જ વાર્તાલાપ મહાભારત સીરીયલ માં શ્રી કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે થયો .
જ્યાં શ્રી કૃષ્ણ એ દ્રૌપદીને બધાં જ આવેગો , ક્રોધ , નો ત્યાગ કરી કૌરવો અને દુર્યોધન ને ક્ષમા કરવાનું કહે છે. ત્યારબાદ જ તમે અધર્મી નું કલ્યાણ જોઈ શકો. પછી ભલે ને તેને સજા કરો પણ તેમાં બદલો લેવાનો નહી પણ તેનું અને સર્વનું કલ્યાણ થાય એવો ભાવ આવી જાય છે.
મિત્રો , ઘણા બીજાને તો ક્ષમા કદાચ કરી દે પણ પોતાની જાત ને ક્ષમા નથી કરી શકતા. જેટલું બીજાને માફ કરવું જરૂરી છે એથીય વધારે જરૂરી છે પોતાને ક્ષમા કરવું . પોતાને અન્યના દુઃખના કે વિકટ પરિસ્થિતિ ના કારણ સમજી ને માનસિક ત્રાસ ના દેવો . પણ પોતાને પણ ભૂલ માટે ક્ષમા કરવું . પોતાને ક્ષમા ના કરી શકનાર ઘણી વાર માનસિક રોગો , ગુનાખોરી , વિકૃતિ ઈત્યાદી નો ભોગ બંને છે . માટે જરુરી છે પોતાને પણ ક્ષમા કરવું .
આ ક્ષમા એ બહુ હિંમત માગી લે એવું કામ છે. બીજાને તો ક્ષમા કરો પાછું પોતાને પણ ક્ષમા કરો . કોઈ વીરલો જ આવા માનસિક દ્વંદ્વ ને જીતી શકે. માટે જ કહેવાયું છે .
"क्षमा विरस्य भूषणम् |"
ક્ષમા કરવું એ ડરવું નથી . ક્ષમા કરવું એ પીછેહથ નથી .ક્ષમા કરવું એ બેજવાબદારી ભર્યું નથી . પરંતુ ક્ષમા એટલે સંપૂર્ણ સ્વસ્થ મને , પ્રસન્ન ચિત્તે, કર્મ અને તેના ફળ નું સંજ્ઞાન લઇને પોતાને અને બીજાને દયા , કરુણા તેમજ સુધરવા ના અને આગળ વધવાના ઉન્નત વિચાર, ભાવ થી જોઈ ને જતું કરવું . "That's why , we say forgive and forget" માફ કરો અને ભૂલી જાવ .
આ બાબત માં જૈનો નો સંવત્સરી, પર્યુષણ નો તહેવાર ક્ષમા ના વિચાર ને નવી હરોળ માં મૂકી છે. જ્યાં બધાં જ પ્રત્યે થયેલા મન દુઃખ ને વર્ષ માં એક વાર "मिच्छामी दुक्डम!" કહી ને ક્ષમા માગવાની અને આપવાની રીત છે.
અંતે મહાવીર સ્વામી નું એક વાક્ય ક્યાંક વાચેલું યાદ આવે છે . " તમે રાત્રે સુતા પહેલા બધાને ક્ષમા કરી દો. સવારે તમારા ઉઠતા પહેલા હું તમને ક્ષમા કરી દઈશ. "
Disclaimer : This article is not to favor any religion. I have written it just to express my thoughts and observations with curiosity. It was originally written by me around one year back.