વિદ્યાર્થી :
પપ્પા કે
છે ભણી લે બેટા ,સારી નોકરી મળશે .
મમ્મી કે છે ભણી લે બેટા ,સારી છોકરી મળશે .
માત-પિતાને કેમ સમજાવું, ભણવાથી શું થાય છે!
સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?
શિક્ષક કે છે સબમિશન, ટાઈમે તું કરજે
મારા લેક્ચર ભરજે, ને શિસ્તમાં તું રહેજે
શિક્ષકને કેમ સમજાવું, માર્કશીટથી શું થાય છે!
સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?
પરીક્ષાના દિવસોમાં, રાત-દિવસ છે માર્યો રટ્ટો
પાડોશી સાથે પપ્પાએ , મારા રિઝલ્ટનો માર્યો સટ્ટો
ધીરુભાઈ ને તેંડુલકર પણ ક્યાં દસ પાસ
થાય છે!
સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?
ગાઈડ,ચોપડી, સંદર્ભ પુસ્તકો, સૌને ફેદી માર્યા
ઈન્ટરનેટના વિડિઓથી પણ,માર્ક ના આવ્યા ધાર્યા
જાડી ચોપડી, મગજ પાતળું, માથું ફાટી જાય છે!
સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?
ગણતર વગરનું ભણતર, શું કરશે મારુ ઘડતર!
વધતી ફી ની મોંઘવારીનું, કેવું મળશે વળતર
ભણેલા તો ભાડે મળશે, ગામ આખું કહી જાય છે!
સારી નોકરી-છોકરી, શું ભણવાથી મળી જાય છે?
શિક્ષક:
શિક્ષકનો ઠપકો વહાલો લાગે, જયારે બોસ તને ફટકારે
ધીરુભાઈ પણ સફળ થયા, જયારે ભણેલા આવ્યા વ્હારે
જીવનના સરપ્રાઈઝ ટેસ્ટની,અહીં વિષયવાર તૈયારી થાય છે.
ભણવાથી ના મળે બધુ પણ, ઘણું-બધુ મળી જાય છે ..!
શિસ્ત, નિયમ ને સમયબદ્ધતા,વિવિધ ગુણો હવે ખીલશે
ગરિમા, માન-મોભાની સાથે, જગત આખું તને ઝીલશે
જ્યારે જયારે કઠિન સમયમાં, ભણતરની હિમ્મત જડશે
ભણેલા તો ભાડે મળશે, પણ સૌને ભાડુ ક્યાં પોહાય છે!
ભણવાથી ના મળે બધુ પણ, ઘણું-બધુ મળી જાય છે ..!
-Satishkumar D. Prajapati